સોમવાર, 23 એપ્રિલ, 2012

લોગ કહતે હૈ, મૈં અન્ના હું, અન્નાજી કહતે હૈ, મૈં બીજેપી હું



અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ પર દેખાવો કરવા માટે એક દિવસ મંડપ, માઇક બાંધવાનો ખર્ચ ઓછામાં ઓછો રૂપિયા દસ હજાર છે. દસ દિવસના એક લાખ રૂપિયા થાય. તગડું આંદોલન ચલાવવા તગડાં નાણાં જોઇએ. એક સરખા સફેદ રંગના ટી શર્ટના યુનિફોર્મ પહેરીને અહીં કેટલાક લોકો દિવસ-રાત દેશભક્તિના ગીતો લલકારે છે. એમને ગુજરાતના દસ હજાર ગામોમાં માથે મેલુ ઉપાડતા, જેમને જીવતાં જમીન અને મૂએ મસાણ નસીબ નથી એવા દલિતો વિષે ખબર જ નથી. અમદાવાદમાં દર મહિને બાંધકામની સાઇટો પર જીવતા દફન થતા, મેગા સિટીના વિકાસની બેલી પર શહીદ થતા દાહોદ-ગોધરાના આદિવાસી મજુરોની એમને તમા નથી. એમના ચહેરા પર ઉત્સવમાં ભાગ લેવાનો અનેરો આનંદ છે. સામે ચોવીસ કલાક કવરેજની ગેરન્ટી આપતી ટીવી ચેનલોના કેમેરા છે. તેઓ એક ઠાઠડી લઇને કેમેરા સામે સૂત્રો પોકારે છે.

ત્રીસ વર્ષ પહેલાં આવી જ રીતે આ સ્થળે પાંચ છોકરાઓ ફુગ્ગા ઉડાડતા હતા, બીજા દિવસે અખબારોમાં પ્રથમ પાને ચાર કોલમના ફોટા આવતા અને ગુજરાતમાં અનામત વિરોધી આંદોલનની જબરજસ્ત શરૂઆત થતી હતી. ફોટો સેશન પૂરું થયા પછી ફુટપાથ પર ઠાઠડીના ગાભા વેરાયેલા પડ્યા છે. એની બાજુમાં એક રોજમદારને કહેવાતા આંદોલનના બીલ્લા, ધજાઓ, ઝંડા, ટી શર્ટ વેચવા બેસાડ્યો છે. પાંચ મિનીટ પછી પચાસેક માણસો સ્કુટરો પર વાડજ તરફથી આવે છે. એમના હાથમાં કિસાન સંઘના ભગવા ઝંડા છે. તેમનું એક જ સૂત્ર છે, વંદે માતરમ, વંદે માતરમ. આશ્રમ રોડ પર ભ્રષ્ટાચારનો ઉગ્ર વિરોધ કરનારા આ મહાનુભાવો એમના પોતાના બીટી કોટનના ખેતરોમાં ભણવાની ઉંમરે શોષાતા ફુલ જેવા બાળકોના ભાવિ વિષે એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. (એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં જુલાઇથી સપ્ટેમ્બરની સીઝનમાં એક લાખ બાળકો પાસે બીટી કોટનના ખેતરોમાં ક્રોસ પોલિનેશનનું કમરતોડ વૈતરું કરાવવામાં આવે છે.)

ડો. આંબેડકરે મનુસ્મૃતિનું દહન કર્યું હતું. નવી દિલ્હીમાં મનુવાદી ક્રાંતિકારી મોરચાએ અન્ના હજારેના આંદોલનના ટેકામાં દેખાવો કર્યા. પયગંબરની ઓળખાણ એના અનુયાયીઓથી થાય છે. હમ બિહારી નહીં, જાટ હૈ, અન્ના હજારે કે સાથે હૈ સૂત્રથી જાટોએ ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો કે બિહારનો તે સમજાયું નહીં. સોનિયા ગાંધી હિંસક હૈ, રાહુલ ગાંધી નંપુસક હૈ”, આવા સૂત્રો પોકારનારી રામલીલા મેદાનની ભીડમાંથી થોડી થોડી વારે અનામતવિરોધી સૂત્રો પણ ઉઠતા હતા.

અમદાવાદના માધુપુરામાં તેલનો વેપારી અન્નાનો સમર્થક છે. તેલના ડબ્બાનું બિલ આપતો નથી. દુકાનના ઉપરના માળીયામાં રાખેલા ડબ્બા ઉતારવા માટે એક બાળ મજુર (ગુજરાત સરકારના શબ્દોમાં બાળશ્રમયોગી) રાખ્યો છે. તેલ કેટલું શુદ્ધ છે તેની તો જમ્યા પછી પણ ખબર નહીં પડે. પણ, ભ્રષ્ટાચાર સામે લડવાનો એનો ઉત્સાહ અનન્ય છે. નાગરિક સમાજનો એ પણ સન્માનનીય સદસ્ય છે. સુપ્રીમ કોર્ટના વકીલનો નોઇડામાં પચાસ લાખનો ફ્લેટ અને નવી દિલ્હીમાં પચાસ લાખની વેલ-ફર્નિશ્ડ ઓફિસ છે. એના અસીલોને ક્યારેય રસીદ આપતો નથી, પરંતુ અન્ના હજારેનો કટ્ટર સમર્થક છે.

ધી ટ્રાંસપેરન્સી ઇન્ટરનેશલ કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ ભ્રષ્ટાચારને, ખાનગી લાભ માટે જાહેર કચેરીનો દુરુપયોગ કહે છે અને દેશના જાહેર સેવકો અને રાજકારણીઓનું ભ્રષ્ટાચારનું પ્રમાણ કેટલું છે તેનું માપ કાઢે છે. બર્લિનની આ સંસ્થાએ ફિનલેન્ડ, ડેન્માર્ક અને ન્યૂઝીલેન્ડ દુનિયાના સૌથી ઓછા ભ્રષ્ટ દેશો ગણાવ્યા છે, જ્યારે સોમાલીયા અને મ્યાનમાર સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં છે. પ્રાચીન કાળમાં સુવર્ણ ભૂમિ તરીકે ઓળખાયેલું સોમાલીયા. વીસમી સદીમાં ઇટાલી અને બ્રિટનની બેવડી ગુલામીના ભાર નીચે ચંપાયેલું સોમાલીયા. આજે સાવ નિષ્ફળ સ્ટેટ’ બની ચૂક્યું છે. એક રીતે તો તે યુરોપે એશિયા-આફ્રિકાના દેશોના કરેલા નિર્દયી શોષણનું પ્રતીક છે.

ધી ટ્રાંસપેરન્સી ઇન્ટરનેશલ કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ ભ્રષ્ટાચારને, ખાનગી લાભ માટે જાહેર કચેરીનો દુરુપયોગ કહે છે અને દેશના જાહેર સેવકો અને રાજકારણીઓનું ભ્રષ્ટાચારનું પ્રમાણ કેટલું છે તેનું માપ કાઢે છે. સંસ્થાએ કોઇપણ રાજ્યના જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારને માપવાના તેર માપદંડો કાઢ્યા. 1. ભ્રષ્ટાચાર સૂચકાંકનો રેન્ક કૉઝ, 2. પાબંદીઓનો અભાવ, 3. વ્યક્તિગત સમૃદ્ધિ માટેની ઇચ્છા, 4. પારદર્શકતાનો અભાવ, 5. પ્રમાદ અને અકર્મણ્યતા, 6. ખરીદશક્તિમાં ઘટાડાને કારણે પ્રેરણાનો અભાવ, 7. અતાર્કિક કારકીર્દિ પ્રમોશન, 8. જાહેર સેવકો દ્વારા સત્તાનો દુરુપયોગ, 9. વહીવટીતંત્રની કંગાળ કામગીરી, 10. સ્પષ્ટ નિયમો અને આચાર સંહિતાનો અભાવ, 11. ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકો તરફથી દબાણ, 12. વધુ પડતું સમર્થન અને 13. મારા સિવાય બીજા બધા લોકો કરે છે.

દેશના કણેકણમાં ખદબદતા ભ્રષ્ટાચાર સામે મધ્યમ વર્ગની નવી પેઢી મેદાનમાં આવી ગઈ છે, એવા ભ્રમમાં પણ રહેવાની જરૂર નથી. વૈશ્વિકરણ અને ઉદારીકરણ પછી ખાનગી ક્ષેત્રના વધતા જતા અંકુશના સમયમાં નવી પેઢી કોર્પોરેટ ક્ષેત્રના મૂલ્યો આત્મસાત કરી રહી છે. સરકાર અને કોર્પોરેટ ક્ષેત્ર બંનેએ મળીને ભ્રષ્ટાચારના ભસ્માસૂરને જન્મ આપ્યો છે.

આ માપદંડોમાં ચૌદમુ, સૌથી મોટું કારણ આ દેશમાં સામાજિક-આર્થિક અસમાનતાનું છે, જે ભ્રષ્ટાચારને જન્મ આપે છે, એટલું જ નહીં ભ્રષ્ટાચાર કરતા પણ મોટી સમસ્યા છે. ઇસ હમામ મેં સબ નંગે હૈં,નું કટુ સત્ય હવાલાકાંડ વખતે બહાર આવ્યું હતું. આ કડવા સચથી પણ ભયાનક સચ્ચાઈ એ છે કે, આ દેશમાં બહુમત લોકોને પોતાની નાત-જાત-કોમના ઇસમના ભ્રષ્ટાચાર સામે ઝાઝો વાંધો નથી. ભ્રષ્ટાચારીની પણ જાત જોવામાં આવે છે. જો ભ્રષ્ટાચારી અપનેવાલા હોય તો, તેની સામેનો રોષ ઓગળી જાય છે. અહીં કોઇપણ અપરાધનું વજન જાતિના આધારે નક્કી થાય છે. ટુજી કૌભાંડનો આરોપી પ્રધાન દલિત જાતિનો હોય તો, તેના ભ્રષ્ટાચારને કઈ રીતે સાંખી લેવાય?  

 (સન્ડે ઇન્ડીયન, તા. 30 ઓક્ટોબર, 2011માં છપાયેલો લેખ, અન્નાનો બીજેપી નેતાગણ સાથેનો ફોટો મૂળ લેખમાં નહોતો)