શનિવાર, 5 મે, 2012

બાવો આવ્યો




નાનપણમાં અમે રડતાં ત્યારે અમને છાનાં રાખવાં લોકો કહેતાં, ‘બાવો આવ્યો'  બાવો. ઘૂઘરીવાળો બાવો. હાથમાં ચીપિયો, કપાળે ત્રિપુંડ, ગળે રુદ્રાક્ષની માળા, ઉઘાડા ડિલે ભભૂત ચોળેલો બાવો.

પરંપરાના તમામ પ્રતીકો પહેરીને સપનામાં બિવડાવતો બાવો, અમારા મુગ્ધ,  ઋજુ મનોજગતમાં એ કોઈ ગૂઢ, અગોચર, અજાણ્યા, આક્રમક તત્વની ઓળખરૂપે દૃઢ થયો હતો.

સાવ સાહજિકપણે, અનાયાસે અમે જેને ધર્મના નામે ઓળખ્યો હતો એ ‘પદારથ'માં બાવાને કોઈ સ્થાન નહોતું.

અમારો ધર્મ તદ્દન એકાંતવાસી, એકાંતસેવી હતો. ઘરના એક ખૂણામાં ગોખલો, અંદર ચામુંડા માની છબી, બાજુમાં બહુચર અને અંબેમાં, રોજ સવારે નાહી-ધોઈને ભાઈ રૂમાલભેર મા આગળ હાથ જોડીને ઉભા રહેતા હતા. એકાદ મિનિટ, અમે કૂતુહલવશ એમને નિરખ્યા કરતા હતા. પૂછતા, ‘માતાજી પાસે શું માંગો છો ?' એ કહેતાં, શક્તિ, ભક્તિ અને મુક્તિ'.

આટલો એમનો ધર્મ. આવો એમનો કર્મકાંડ, ભઈને કદી ઘટંડી વગાડતા, બરાડા પાડતા, ભાવા-વેશમાં ધૂણતાં જોયા નહોતા. ઘરમાં છોકરાની બાબરી ઉતારવાની હોય કે કવચિત્ માનો ‘આદેશ' થાય ત્યારે સૌ ચોટીલા જતા હતા.

અમારા બાપદાદા કબીરપંથી હતા. કબીર સાહેબને અમે વિચારથી જાણ્યા હતા, એમણે આચારથી પ્રમાણ્યા હતા. રૈદાસ એમની રગરગમાં હતા. દાસી જીવનનું નિરાડંબરી પદ એમના મૃતાત્માઓને શાતા અર્પતું હતું.

નવરાત્રીના દિવસોમાં મહોલ્લામાં વચોવચ એક માંડવડી મુકાતી હતી. ચારે બાજુ ચોખ્ખા ઘીના દીવા થતા હતા. માંડવડીમાં માની છબી મુકાતી, ચાંદલા થતા ને ઘેર ઘેર ભાત અને ગોળનો મિષ્ટ ભાવ ભરાતો હતો. લોકો એકબીજાના ઘરે ભાવ લેવા જતા હતા, એ પરંપરા આજે ચાલુ છે.

રાત્રે મહોલ્લાના બૈરા એકઠાં થતાં હતાં, ઘૈડીયાં હલકભેર ગરબાં ગવડાવતાં હતા. વાદ્યમાં એક ઢોલનો અસબાબ ને ઓચ્છવનો પાર નહીં. ‘એકે લાલદરવાજે તંબુ તાણીયા રે લોલ' હળવા સાદે ગાતી એ સ્ત્રીઓ માટે આ ગરબાનો અર્થ શું હતો ? ૫૦૦ વર્ષ પહેલાં આ શહેરમાં એક બાદશાહ હતો. બડો મિજાજી હતો. માણેકચોકમાં હટાણે જતી ગુર્જરીઓને બાદશાહના સિપેહસાલારોની તુમાખીના કડવા અનુભવો થયા હતા. એ સ્મૃતિ ગરબામાં સચવાઈ હતી. સાસુઓ કહેતી ગઈ, ‘એ વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશૉ બડો મિજાજી'.

આજે એ બાદશાહ સલામત રહ્યો નથી. એની યાદરૂપે એક ગરબો છે. ‘અમદાવાદી નગરી એની ફરતે કોટે કંગરી, માણેકચોકની માંહી ગુર્જરી જોવા હાલી' એના ગાનાર માટે ઇતિહાસ એક ખાલી પાત્ર જેવો છે. પાંચસો વર્ષ પહેલાંનાં રાગદ્વેષ, ધિક્કાર, કડવાશ, વેરઝેર સઘળું કોક રસાયણમાં ઓગળી ગયું છે. નિર્ભેળ, વિશુદ્ધ આનંદ. પંડિતો આને શું ‘સંસ્કૃતિ' કહેતાં હશે ?

હવે કોઈ રૂદ્રા, ક્રોધાંબરા, ગજગામિની એ બાદશાહના દુષ્કૃત્યો સામે જંગે એલાન કરે તો અમને પાનો શું ચડે ? અમારી ગળથૂથીમાં વિષવમન છે, વિવાદ નથી.

થોડાક દિવસો પહેલાં અમારા શહેરમાં આખા દેશનાં બાવા એકઠા થયાં હતાં. અમને વટલાવવાની કોશિશ કરતા કેટલાક વિધર્મીઓ સામે લડી લેવાની એમણે અમને હાકલો કરી હતી.  અમે હેરતભરી નજરે એમના ક્રિયાકલાપો નિહાળ્યા હતા. અમને યાદ આવી ગયો બાળપણમાં અમને બિવડાવનારો એ બાવો. સહસા એક પ્રશ્ન અમારાં મસ્તિષ્કમાં ઉદભવ્યો હતો, "નેવું કરોડ બાળકોને છાનાં રાખવા શું આટલા બધા બાવા એકઠાં થયા હશે ?"  

તા. 16.3.99, નીરીક્ષક

મંગળવાર, 1 મે, 2012

સી. આર. પાટીલ: એક લિસ્ટેડ જકાતચોર, સાંસદ




1994માં હું સૂરતમાં નવગુજરાત ટાઇમ્સમાં જોડાયો હતો. પગાર રૂ. 3000. જસવંત રાવળ મારો તંત્રી હતો. ગોરો, રૂપાળો, સોફિસ્ટિકેટેડ, મૃદુભાષી. અગાઉ એ જનસત્તામાં હતો. એની ઉંમર લગભગ મારા જેટલી હશે, પરંતુ મને તુંકારાથી સંબોધતો. મને એ ખટકતું, પરંતુ મારે કોઇપણ હિસાબે નોકરી કરવી હતી. અગાઉ બે-ત્રણ નોકરીઓ આત્મ-સન્માનને ખાતર મેં છોડેલી, એટલે સૂરત ગયો ત્યારે જ મને ખબર હતી કે હું અહીં છ મહિનાથી વધારે ટકવાનો નથી.

નવગુજરાત ટાઇમ્સનો માલિક સી. આર. પાટીલ હતો. કાળો ડિબાંગ ચહેરો અને સફેદ વસ્ત્રો. પાટીલની પાંચ શબ્દોમાં ઓળખાણ આપવી હોય તો આટલું કહેવું પડે. ગુજરાત સમાચારનો શ્રેયાંસ શાહ, સંદેશનો ફાલ્ગુન પટેલ કે સમભાવના ભુપતભાઈને જેમણે જોયા હોય તેમને લાગે કે ગુજરાતના તંત્રી-માલીકોના વંશમાં આ વિચિત્ર ગુંડા જેવો લાગતો માણસ ક્યાંથી આવી ગયો. (શ્રેયાંસ-ફાલ્ગુનના કરતૂતો સારા નહીં, પરંતુ દેખાવમાં ખાસા પ્રેઝન્ટેબલ). પાટીલને ઘણા લોકો લિસ્ટેડ જકાતચોરથી સંબોધતા અને કેટલાક છાપાઓમાં તો આ વિશેષણ ખાસ છપાતું. કદાચ, મયુર પાઠક નામના તે વેળાના ગુજરાત સમાચારના એક નિવાસી તંત્રી, જેઓ આરએસએસ સાથે સંકળાયેલા હોવાનું કહેવાતું, તેઓ સપ્તાહમાં બે-ત્રણ વખત આ 'લિસ્ટેડ જકાતચોર'ના નામે સ્ટોરીઝ છાપતા હતા.

નવગુજરાત ટાઇમ્સના દરવાજે સીસીટીવી કેમેરા લગાડેલા હતા. પહેલીવાર કોઈ છાપાના દરવાજે આવા કેમેરા મેં જોયા. મને બહુ નવાઈ લાગેલી. સાથી કર્મચારીઓને પૂછ્યું તો, બધા મર્માળુ હસે. કોકે કહ્યું, સીઆર ઓફિસે આવે તે સમયનો નઝારો જોઈ લો. બધું સમજાઈ જશે. હું બીજા દિવસે દરવાજેથી થોડો દૂર ઉભો રહ્યો. થોડીવારે ત્રણ ગાડીઓ આવી. આગળની ગાડીમાં ભરી બંદૂકે એક માણસ. પાછળની ગાડીમાં પણ ભરી બંદૂકે બીજો માણસ. વચ્ચેની ગાડીમાં પાટીલ. એની સાથે પણ ભરી બંદૂકે એક સુરક્ષા કર્મી. ધ્યાનથી જોયું તો પાટીલે એના બૂટના મોજામાં પણ એક રીવોલ્વર સંતાડેલી. આ માણસને આટલી બધી સુરક્ષાની જરૂર કેમ પડે છે? આ પ્રશ્ન મારા મગજમાં ઉઠ્યો હતો.

પછી મેં જાણ્યું કે દરવાજે લગાડેલા કેમેરા સીધા પાટીલની ઓફીસના ટીવી સાથે જોડેલા છે. પાટીલ સતત એની પર નજર નાંખતો રહે છે. દરવાજે કોઇપણ વ્યક્તિ આવે તો તેને ખબર પડી જાય છે. મારા પત્રકારમિત્રોએ મને જે કહ્યું તે સાંભળીને તો મારું હ્રદય બેસી ગયું. એવું કહેવાતું હતું કે સૂરતમાં મહિને દાડે 10-12 કરોડની જકાત ચોરી થાય છે. 10-12 ટોળકીઓ આ ધંધામાં લાગેલી છે. પાટીલ આ ટોળકીઓનો ડોન છે. આ વાત ખોટી પણ હોય. પાટીલ બિચારો સીધો સાદો ગૃહસ્થ પણ હોય. પણ એને આટલી બધી સુરક્ષાની જરૂર હતી, એ એના અન્ડરવર્લ્ડના કનેક્શનનું સીધું પરીણામ પણ હોઈ શકે એવું નહીં માનવાને કોઈ કારણ નહોતું. એ સરકારના મોટા ભ્રષ્ટાચારનો ભંડાફોડ કરનારો કોઈ વ્હીશલ બ્લોઅર તો નહોતો જ, જેના માથે મોત મંડરાતું હોય.

પાટીલ કાશીરામ રાણાનો ખાસ માણસ હતો. સૂરતમાં બીજેપીને મજબૂત બનાવવામાં એના કરડા ચહેરાએ ઘણો ભાગ ભજવ્યો હશે. ભારત માતાને રક્ષણ માટે આવા 'ખાસ પ્રકારના' માણસોની જરૂર છે. સત્તાના બદલાતા સમીકરણોને કારણે હવે પાટીલ મોદીના માણસ બન્યા છે. અમદાવાદમાં બિનગુજરાતી કોંગ્રેસીઓ સામે પત્રીકાઓ બહાર પાડનારા ભારતીય જનતા પક્ષને સૂરતમાં આ બિનગુજરાતી અંગુઠાછાપ માણસને સાંસદ બનાવવામાં કોઈ તકલીફ પડતી નથી. ગુજરાતની અસ્મિતા અભડાતી નથી.

પાટીલ આજે મોદી માટે સૂરતમાં 50,000 બિહારીઓનું સંમેલન યોજી રહ્યા છે. ગુજરાત સ્થાપના દિવસે બિનગુજરાતીઓનું સંમેલન મોદીજીની દેશભક્તિનો કેટલો મોટો પુરાવો હશે. જે બિહારીઓના શક્તિપ્રદર્શન સામે રાજ ઠાકરે મુંબઈમાં હોંકારા પડકારા કરે છે, એમને ગુજરાતમાં કેવા પ્રેમથી આવકારવામાં આવે છે! માઇગ્રન્ટ બિન-ગુજરાતીઓ ગુજરાતના આર્થિક વિકાસમાં મોટો ફાળો આપે છે, એવું ફરી એકવાર કહેવાનો મોદીને મોકો મળશે. ગુજરાતભરમાં પથરાયેલા ઇંટોના ભઠ્ઠાઓમાં બિહાર-ઝારખંડના દલિત મજુરો સાથે જાનવરોથી બદતર વર્તન થાય છે એની બે લીટી પણ અખબારોમાં નહીં આવે, એમાંના એક અખબારનો માલિક નવસારીનો એક સાંસદ પણ છે, સી. આર. પાટીલ.

તા. 21 માર્ચ, 2009નું ઇન્ડીયન એક્સપ્રેસ બુટલેગરોના મિત્ર, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ, સીઆર પાટીલની કુંડળીને આ રીતે લખે છે, "Tainted cop to PSU boss to wannabe MP, it has been quite a journey for Chandrakant R Patil (55), BJP candidate for Navsari this Lok Sabha polls. Patil was suspended from the police for his alleged involvement in illegal liquor trade in dry Gujarat, and even jailed for failing to repay hefty loans to a cooperative bank. But now, he will make his debut at the hustings this year.

His story begins after he joined the Surat police in 1975 as a constable. He first courted trouble after a liquor hoard was recovered from a bootlegger’s house in Palsana taluka in 1978 and his name cropped up in the police records as one of those involved.
The same year, another prohibition case was registered against him at the Songadh police station. Patil was arrested by the Surat police Task Force and was finally suspended for six years from the job.

He remained clear of more trouble for a while, though police sources allege that his dalliance with the illegal liquor trade continued. Patil resumed his police job in 1984 and soon invited another suspension: this time for trying to form a police union. Later, he allegedly came into contact with the then-rampant octroi evasion racket, with the backing of some textile mill owners. The Surat Municipal Corporation charged a case of octroi evasion against him in 1995. Meanwhile, politics beckoned, and Patil joined the BJP in 1990. In four short years, he became the Surat district president."

અને છેલ્લે, છ મહિના પછી જ્યારે નવગુજરાત ટાઇમ્સની સબ એડિટરની નોકરી મેં છોડી ત્યારે મારો એક મહિનાનો પગાર બાકી હતો. સીઆર પાસે મારા રૂ. 3000 ઉધાર રહ્યા. સીઆર ફેક્ટરી એક્ટનું પાલન કરતા નહોતા. આજે આંતરરાષ્ટ્રીય મજુર દિવસે ગુજરાતી છાપાનો એક ભૂતપૂર્વ પત્રકાર એની સખેદ નોંધ લઈ રહ્યો છે. જય જય ગરવી ગુજરાત. દિસે મોડીફાઇડ મધરાત. જય જય ગરવી ગુજરાત......