મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2012

એક રેંટાળો, બીજો રેંટાળો અને ગુજરાતીઓ


૨૧ જુલાઈ, ૨૦૧૨. ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં જય વસાવડા લખે છે, "આસપાસ ચોપાસ દેખાતી ગરવી ગુજ્જુ મહિલાઓની વાસ્તવિકતા નિહાળો... દેખીતી રીતે જ અપવાદો બાદ કરતાં એમાં ચોખ્ખા બે ભાગ પડે... એક તો હસ્તિની બ્રાન્ડ તોતિંગ ગુજરાતણો... ખમણ ઢોકળાના આથાની માફક ફૂલી ગયેલું શરીર! પેટનું વજન ઉંચકી ઉંચકીને ફસડાઈ પડેલા વટવૃક્ષના ઘેધુર થડ જેવા પગ! કમરા જેવી કમર! ચીઝ  સેન્ડવિચના લેયરની જેમ ગાલ પર બાઝી ગયેલા લેયર્સ! ઓવરઓલ, અથાણા ભરવાની બેઠા ઘાટની બરણી જેવી કાયા! ખાસ કરીને લગ્ન અને બાળકો પછી તપસ્વીઓતૂરીયાવસ્થામાં પહોંચી જાય એમ ખાઈ-પીને ધરાઈ ચૂકેલી ગુજરાતણો આફુગ્ગાવસ્થામાં આવી જાય છે! હવે તો તમારા ભાઈબહેનને છોડીને ક્યાં જવાના છે? માટે કોણ બોડી મેઈન્ટેઈન કરવાની કડાકૂટ કરે? જેવો ફરસાણમાં મેંદો, એવો દેહનો લોંદો!"

આ બિચારો જય વસાવડા ક્યાં રહે છે? એની આસપાસ ચોપાસ દેખાતી ગરવી ગુજ્જુ મહિલાઓની વાસ્તવિકતા નિહાળો. જય સાચુ લખે છે. એર કન્ડીશન્ડ બેડરૂમોમાં ઉંઘતી, રસોડાઓમાં મહારાજાઓના વઘાર સૂંઘતી, ડુંગરપુરથી આવતા ગરીબ આદિવાસી ઘાટીઓએ ચકચકિત કરેલી થાળીઓમાં ફુલકા રોટલીઓ જમતી અને "એમ ખાઈ-પીને ધરાઈ ચૂકેલી ગુજરાતણો"થી ઘેરાયેલો જય વસાવડા કુવામાંનો દેડકો છે એમ તો કેમ કહેવાય. 

પરંતુ, અમદાવાદની કન્સ્ટ્રક્શન સાઇટો પર માથે તગારા ઉંચકીને કામ કરતી આદિવાસીઓ સ્ત્રીઓ, અગાઉ મીલોમાં અને હવે ફેક્ટરીઓમાં કામ કરતી સ્ત્રીઓ, શેરીઓમાં ઝાડુ મારતી સ્ત્રીઓ, ચાર રસ્તે કેળા-જાંબુ વેચતી દેવીપૂજક સ્ત્રીઓ જયની વ્યાખ્યા પ્રમાણે ગુજરાતણ ના કહેવાય. કેમ કે, આ સ્ત્રીઓના ગાલ પર જય લખે છે તેમ ચીઝ સેન્ડવિચના લેયર્સ હોતા નથી. આકરી મજુરી એમના શરીર પર ચરબીના કોઈ થર જમા થવા દેતી નથી. પરંતુ, જય વસાવડાને આવી સ્ત્રીઓ "ગુજરાતણ" લાગતી નથી. એટલે એ કહે છે, "હમણાં ટોક ઓફ ધ ટાઉન બનેલા મોદીસાહેબના કુપોષણથી પીડાતી સ્ત્રીઓ અંગેના સ્ટેટમેન્ટથી જે ચર્ચાશૂરા બૌદ્ધિકો ચાલતી ગાડીએ ચડી બેઠા છે, એમની આ મામલે જાણકારી કે જાગૃતિ અંગત નિસ્બત કરતા વઘુ વિવાદો વકરાવવા પૂરતી હોય છે."
 
ગુજરાત સમાચારનો કોલમ લેખક એના "મોદી સાહેબ"ને સારુ લગાડવા ચર્ચાશૂરા બૌદ્ધિકોને ઝપટમાં લે છે. પરંતુ એ પછી પણ કુપોષણના આંકડાઓ ટાંક્યા વિના રહેતો નથી. એ લખે છે, "ગુજરાતના ૫ વર્ષથી નીચેના ૪૪.૬% બાળકો માલ-ન્યુટ્રીશનયાને કુ-પોષણથી પીડાય છે. એમાંના ૪૧% આદર્શ કરતા ઓછું વજન ધરાવનાર હોય છે. ૭૦% એનીમિક હોય છે, અને દિલ થામ કે પઢો... ગુજરાતની ૫૫%થી વઘુ સ્ત્રીઓ પણ એનિમીયાથી પીડાય છે." અને પછી લખે છે, "હવે આમાં એક વાત તો એ ચોક્કસ છે કે ગરીબવર્ગની નાનકડી બાળાઓ કુપોષણથી પીડાય એમાં મલ્ટીપલ રિઝન્સ છે. એક તો આપણે ત્યાં કડક આહાર-પુરવઠા ખાતું જેવું કશું નથી. મતલબ ખાતું તો હોય છે, પણ એ બસ ખાધાજ કરતું હોય છે! માટે પોસાય નહિ તેવા વર્ગ માટે ચોખ્ખો, ભેળસેળ વિનાનો અને પૌષ્ટિક ખોરાક પૈસા ખર્ચવાની ત્રેવડ ના હોય તો કદી ઉપલબ્ધ હોતો જ નથી. પેટને ખાતર વૈતરું કર્યા પછી પણ પેટમાં તો કચરો જ જાય એવા હાલહવાલ હોય છે. આવા ગરીબ-ગ્રામીણ બાળકો માટે જ મઘ્યાહન ભોજન યોજના શરૂ થઈ હતી. જે યોજનામાં ધનેડાં પડી ગયા છે અને ફૂગ વળી ગઈ છે. મતલબ, એમાં સરકારી કાગળિયાંઓનું પેટ ભરતું હોય છે, બાળકોનું નહિ."

અહીં જય વસાવડા "હું ખાતો નથી અને ખાવા દેતો નથી," એવા મોદીના નિવેદનનો અભાનપણે છેદ ઉડાડે છે. વસાવડાના માલિક નિર્મમના બાપાના બાપા શાંતિલાલના એક વેળાના ગુમાસ્તા (ઉર્ફે પત્રકાર) માધવસિંહ સોલંકીએ આરંભેલી મધ્યાહ્ન યોજનાનું મોદીના રાજમાં નખ્ખોદ વળી ગયું અને મોદી જેના નાકમાંથી રેંટ લબડતું હોય તેવો ગંધારો છોકરો બીજા રેંટાળાની મશ્કરી કરે તેમ કોંગ્રેસીઓની મજાક કરી રહ્યા છે, એમાં ગુજરાતીઓના કયા ભવની ભાવઠ ભાંગે છે એ સવાલ આજે પૂછવા જેવો છે.