મંગળવાર, 22 એપ્રિલ, 2014

ઇટાલી, રાહુલ અને મોદી



રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બંને ઇટાલી સાથે નાતો ધરાવે છે. એકને લોહીની સગાઈ છે, બીજાનો વૈચારિક નાતો છે. ઇટાલી રાહુલના મામાનું ઘર છે એ તો સૌ જાણે છે. પરંતુ નરેન્દ્ર મોદી જેના માનસપુત્ર છે એવા ડૉ. મુંજે, સાવરકર અને ગોલવેલકર ઇટાલીના ફાસિસ્ટ સરમુખત્યાર મુસોલીનીના આંધળા પ્રસંશક હતા અને ઇટાલીની આ ફાસિસ્ટ વિચારધારામાંથી પ્રેરણા મેળવીને રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘ (આરએસએસ)નું ઘડતર થયું હતું એ હકીકત બહુ ઓછા લોકો જાણે છે. 

ડૉ. મુંજે ડૉ. હેડગેવારના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ હતા. ગોળમેજી પરિષદમાંથી પાછા ફર્યા બાદ ડૉ. મુંજે યુરોપના પ્રવાસે ગયા હતા અને ત્યારે તેઓ ઇટાલીમાં મુસોલીનીને મળ્યા હતા. ડૉ. મુંજેએ તેમના આ પ્રવાસનું રસપ્રદ વર્ણન તેમની ડાયરીમાં કર્યું છે. નેહરુ મેમોરીયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરીમાં મુંજેઝ પેપર્સ નામની માઇક્રોફિલ્મમાં આ ઇતિહાસ આજે પણ સચવાયેલો છે. 

19મી માર્ચ, 1931એ મુંજેએ મિલિટરી કોલેજ, સેન્ટ્રલ મિલિટરી સ્કુલ ઑફ ફિઝિકલ એજ્યુકેશન, ધી ફાસિસ્ટ એકેડમી ઑફ ફિઝિકલ એજ્યુકેશન તેમજ બલિલા અને આવાંગાર્ડિસ્ટ સંગઠનોની મુલાકાત લીધી હતી. મુંજે તેમની ડાયરીમાં લખે છે, "બલિલા સંગઠન અને સમગ્ર સંગઠનના વિચારોએ મને સૌથી વધારે અપીલ કરી છે. જોકે, તેમનામાં હજુ ઉર્ધ્વ કક્ષાની શિસ્ત અને સંગઠન નથી. આ સમગ્ર વિચારની મુસોલીનીએ ઇટાલીના પુન:નિર્માણ માટે કલ્પના કરી છે. ઇટાલીયનો સ્વભાવે ભારતીયો જેવા શાંતિપ્રય અને બિન-લશ્કરી જણાય છે. ભારતીયોની જેમ તેમણે શાંતિના કાર્યનું સંવર્ધન કર્યું છે અને યુદ્ધની કલાનું સંવર્ધન કર્યું નથી. મુસોલીનીએ તેના દેશની અનિવાર્ય નબળાઈ નિરખી અને બલિલા સંગઠનનો વિચાર કર્યો ....... ઇટાલીના લશ્કરીકરણ માટે આનાથી સારો વિચાર થઈ શક્યો ના હોત. ......... ફાસિઝમનો વિચાર લોકોમાં એકતાને ગતિશીલ રીતે બહાર લાવે છે. ........ ભારત અને ખાસ કરીને હિન્દુ ભારતને હિન્દુઓના લશ્કરી પુન:નિર્માણ માટે આવી જ કોઈ સંસ્થાની જરૂર છે, જેથી બ્રિટિશ શાસકોએ હિન્દુઓમાં કરેલો લશ્કરી અને બિન-લશ્કરી વર્ગોનો કૃત્રિમ ભેદ નાબૂદ થઈ શકે. ડૉ. હેડગેવારના નેજા નીચેનું આપણું નાગપુરનું સંગઠન - જોકે તદ્દન સ્વતંત્રપણે વિચારાયું છે તો - પણ આ પ્રકારનું છે. હું મારા જીવનનો શેષ ભાગ ડૉ. હેડગેવારની આ સંસ્થાને સમગ્ર મહારાષ્ટ્ર અને અન્ય પ્રાંતોમાં વિકસાવવામાં અને વિસ્તારવામાં ખર્ચીશ."

ડૉ. મુંજે એ જ દિવસે ઇટાલીની ફાસિસ્ટ સરકારના હેડક્વાર્ટર પલાઝો વેનેઝીયા ગયા, જ્યાં તે હિટલરના મિત્ર, ઇટાલીના ડિક્ટેટર મુસોલીનીને મળ્યા. મુંજેએ ડાયરીમાં આ મુલાકાતનું પણ રસપ્રદ વર્ણન કર્યું છે. તેઓ લખે છે, ".......... જેવો હું દરવાજે પહોંચ્યો કે તેઓ (મુસોલીની) ઉભા થયા અને મારું સ્વાગત કરવા આવ્યા. મેં તેમની સાથે હાથ મીલાવીને કહ્યું કે હું ડૉ. મુંજે છું. તેઓ મારા વિષે બધું જ જાણતા હતા અને એવું લાગતું હતું કે આઝાદી માટેના ભારતના જંગની ઘટનાઓનું બારીકીથી નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમને ગાંધી માટે અત્યંત માન હોય તેવું જણાતું હતું. ....... તેમણે મને ગાંધી અને તેમની ચળવળ વિષે પૂછ્યું અને એક સવાલ ખાસ પૂછ્યો કે ગોળમેજી પરિષદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શાંતિ આણશે કે કેમ. મેં કહ્યું કે જો બ્રિટન અમને સામ્રાજ્યના અન્ય સંસ્થાનો સાથે સરખો દરજ્જો આપશે તો સામ્રાજ્યમાં શાંતિપૂર્વક અને વફાદારીથી રહેવામાં અમને વાંધો હશે નહીં."

મુસોલીની સાથેની ડૉ. મુંજેની વાતચીતથી જણાય છે કે તેઓ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માગતા નહોતા. આ બાબતમાં હિન્દુ રાષ્ટ્રવાદીઓ અને કોંગ્રેસના વિચારો લગભગ સરખા હતા. કોંગ્રેસ અને હિન્દુ રાષ્ટ્રવાદીઓ વચ્ચે ફરક હતો તો માત્ર એટલો જ હતો કે ગાંધી-સરદારની કોંગ્રેસ અહિંસામાં માનતી હતી, હિન્દુ રાષ્ટ્રવાદીઓ હિંસામાં માનતા હતા. ભગતસિંહ જેવા ક્રાન્તિકારીઓ પણ હિંસામાં માનતા હતા, પરંતુ ભગતસિંહ હિન્દુ રાષ્ટ્રવાદી નહોતા. ભગતસિંહ મુસલમાનોને દુશ્મન ગણતા નહોતા અને તેઓ વ્યવસ્થા પરિવવર્તનમાં માનતા હતા. મુસોલીનીની મુલાકાતથી પ્રોત્સાહિત થયેલા ડૉ. મુંજે ભારત આવ્યા અને તેમણે હિન્દુઓના લશ્કરીકરણનું મિશન જોરશોરથી આરંભ્યું હતું.

ગુરુવાર, 17 એપ્રિલ, 2014

કોણ અનૈતિક છે?


બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા (BAPS Swaminarayan Sanstha)ની વેબસાઇટ પર અક્ષરવત્સલદાસ નામનો સાધુ લખે છે, "નિમ્ન વર્ણોને દ્વિજત્વ આપવામાં, તેમનું સંસ્કૃતીકરણ કરવામાં ભગવાન સ્વામિનારાયણે ત્રીજું મહત્ત્વનું પગલું ભર્યું - એ વર્ણો પરથી અનૈતિકતાની છાપ ભૂંસવાનું. એ સમયે દલિત વર્ણો માટે સામાન્ય જનસમાજમાં સૂગ હતી, એમાં તેમની અનૈતિક વૃત્તિઓ પણ જવાબદાર હતી. સવર્ણોના તિરસ્કારને લીધે આજીવિકાનો ખૂબ મોટો પ્રાણપ્રશ્ન આ વર્ગ માટે હતો. જીવનના ગુજારા માટે કોઈ જ માર્ગ ન બચતાં આ વર્ગે અનૈતિક પ્રવૃત્તિઓનો પણ આશ્રય લેવો પડે એવા સંજોગો હતા. અને પરિણામે, એમના પર અનૈતિકતાનું આળ કાયમી બન્યું હતું."

આવા બાવાઓ એમની નબળાઈ છુપાવવા દલિતોના માથે અનૈતિકતાનું આળ નાંખે છે. આપણે શું આવા લોકને સાંખી લેવાના?

બુધવાર, 16 એપ્રિલ, 2014

ગુજરાત મેં વિકાસ હુઆ હૈ, આપ કા ક્યા ખયાલ હૈ?



થોડાક દિવસો પહેલા વડોદરા ચૌપાલ નામના કાર્યક્રમમાં એક ટીવી ચેનલની એન્કરે એક તરફ વડોદરાના મુસલમાનો અને બીજી તરફ હિન્દુઓને સરેઆમ રસ્તા પર ઉભા રાખીને મોદીના ગુણગાન ગાવાનો પ્રયાસ કર્યો. મુસલમાનોમાં પ્રો. બંદુકવાલાનો જાણીતો ચહેરો દેખાયો એટલે કાર્યક્રમ જોવાનું મન થયું. એન્કર બહેન ગુજરાત મેં વિકાસ હુઆ હૈ, આપ કા ક્યા ખયાલ હૈ?”ની જુની પુરાણી રેકર્ડ વગાડતા હતા અને મુસલમાન બિરાદર ના, ના વિકાસ કહાં હુઆ હૈ?, ચલો મેરે મોહલ્લે મેં, એવું કીધે રાખતા હતા. સામે ઉભા રહેલા સવર્ણ હિન્દુઓ (રીપીટ સવર્ણ હિન્દુઓ) મોદી નામના માણસે જબરો વિકાસ કર્યો એની રઢ લઇને બેઠેલા. અને બંદુકવાલા કેડેથી વાંકા વળીને ઉભા હતા, જાણે એમની પીઠ પર આખા દેશના સેક્યુલારિઝમનો ભાર ના હોય! એક વાર જે માણસને ભાનુ અધ્વર્યુએ બંદુકમાં સેવાની કારતૂસ કહીને બિરદાવેલો એ માણસ મુસલમાનોને સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવી દીધા છે એની વાત લગભગ રડતા સાદે કહી રહ્યો હતો.

આ દ્રશ્ય જોઇને મને થયું કે મુસલમાનો શા માટે આ વિકાસના ટ્રેપમાં ફસાઈ ગયા છે કેમ સીધે સીધુ બોલતા નથી કે આ મોદી અને તેના જેવા ફાસિસ્ટ લોકો (એમાં વડોદરાનો ગુણવંત શાહ પણ આવી જાય જેને કેટલાક મુસલમાનો પોતાનો હમદર્દ ગણે છે) આ દેશમાં મુસલમાનોનું રાજકીય પ્રતિનિધિત્વ ખતમ કરવા કસમ ખાઇને બેઠા છે. માન્યું કે કેટલાક મુસલમાનો દાંડ છે, માફીયા છે, આતંકવાદી છે, પરંતુ શું સમગ્ર મુસલમાન કોમ નાલાયક છે? ગુજરાતમાં ભાજપને એક મુસલમાન નથી મળતો જે વિધાનસભ્ય થવાને લાયક હોય? રાજસભામાં મોકલવા માટે લાયક હોય? કોંગ્રેસને મૌલાના અબુલ કલામ આઝાદથી માંડીને રઉફ વલીઉલ્લા, અહેસાન જાફરી મળે છે. દેશના તમામ પક્ષોને મુસલમાનોમાં સારા માણસો મળે છે, જે રાજકીય પ્રતિનિધિત્વ માટે પૂરા કાબેલ હોય. કેમ ભાજપને મળતા નથી? પેલો સરેશવાલા મોદીની આટલી બધી ચમચાગીરી કરે છે, એને કેમ વિધાનસભાની ટિકિટ ના આપી સલમાનખાનને કેમ ના આપી
 
હકીકતમાં ભાજપ મુસલમાનોનું રાજકીય પ્રતિનિધિત્વ ઇચ્છતો જ નથી. આરએસએસ તો અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને પણ વિધાનસભા કે સંસદમાં બેસાડવા લાયક ગણતો નથી. એ તો એમનો બાપ આંબેડકર એમની કરોડરજ્જુ નીચેના છિદ્રમાં ખીલો ઠોકીને ગયા છે એટલે બાપા કહીને બેસાડવા પડે છે. પરંતુ એમાં પણ સવર્ણ બહુમતીના જોરે એમના દલિત ગુલામો ચૂંટી લાવે છે. આ ગુલામો કેસરીયા સાફા પહેરીને ફરે છે અને મુસલમાનોના વિરોધમાં એમની વસતીના પ્રમાણ કરતા વધારે ફાળો નોંધાવે છે. 

હકીકત એ છે કે ગુજરાતમાં નવ મુસલમાનો 1981માં ચૂંટાઈને આવતા હતા, હવે માત્ર ત્રણ ચૂંટાઇને આવે છે અને વધેલી છ સીટો પર સવર્ણો (એસસીએસટીઓબીસી નહીં) ચૂંટાઈને આવે છે. મુસલમાનોને રાજકીય રીતે ખતમ કરવાની મુહિમનો મોદી સિપેહસાલાર છે અને સમગ્ર દેશમાં આજે જે કહેવાતા દેશભક્તોનું ટોળું મોદી મોદી કરી રહ્યું છે એ ટોળુ આ કારણસર જ મોદીને એમનો ભગવાન, નરોમાં ઇન્દ્ર સમજે છે. આ ટોળુ દલિતો-આદિવાસીઓના લોહીનું પણ તરસ્યું છે, પરંતુ દલિતો-આદિવાસીઓ સામેનો દ્વેષ મોઢાં પર બતાવતું નથી. આ ટોળું સમજે છે કે વગર ખંજરે મોદી મુસલમાનો-દલિતો-આદિવાસીઓની કત્લ કરતો હોય તો એને ખરેખર ઘરે ઘરે પહોંચાડવો જોઇએ. સંઘ પરિવારે પણ એટલે જ આ ચૂંટણીને આરપારની લડાઈ ગણી છે.

રવિવાર, 9 માર્ચ, 2014

કોણ તકવાદી

 ફરી એકવાર ગુણવંત શાહે દિવ્ય ભાસ્કરમાં એક વધુ ગંધાતો લેખ લખીને ફેકુની વડાપ્રધાનપદની દાવેદારીને આડકતરું સમર્થન કર્યું. ગુણવંત લખે છે, દલિત વોટબેન્ક માટે માયાવતી ગમે તે હદે જઇ શકે છે. મુસ્લિમ વોટબેન્ક માટે મુલાયમ ગમે તે હદે જઈ શકે છે. ગુણવંત અહીં એક વાક્ય ઉમેરી શક્યા હોત કે, હિન્દુ વોટબેન્ક જાળવવા મોદી ગમે તે હદે જઈ શકે છે. પછી ગુણવંત લખે છે કે, આ દેશમાં માત્ર બે જ પક્ષો સત્તા મેળવવા માટે લાયક છે, કોંગ્રેસ અને ભાજપ. કેમ કે, પ્રાદેશિક પક્ષો તકવાદી છે. ગુણવંત ક્યારે એ હકીકત સમજશે કે પ્રાદેશિક પક્ષોને ભાંડવાની આ માનસિકતા દેશની અખંડિતતા માટે ખતરનાક છે. આ દેશના સંઘીય (ફેડરલ) ચરિત્રને સમજી નહીં શકતા સંકીર્ણ, કટ્ટરવાદી લોકો પ્રાદેશિક પક્ષોનો વિરોધ કરે છે. યુપીએ કે એનડીએ પણ તકવાદીઓનો શંભુમેળો જ છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યા પછી ખાનપુરની જાહેરસભામાં ફેંકુએ કહેલું કે જેમણે એંસીના દાયકાનું જાતિવાદી ઝેર જોયું છે તેઓ કોઇપણ સંજોગોમાં કોંગ્રેસ સત્તા પર આવે તેવું ઇચ્છતા નથી. ફેંકુએ અહીં કયા જાતિવાદી ઝેરનો નિર્દેશ કર્યો હતો? એ કહેવાતું ઝેર એટલે કોંગ્રેસે બક્ષી પંચની પછાત જાતિઓ માટે વધારેલી અનામત. આજે ફેંકુ પોતાને પીછડી જાતિનો કહીને વોટ માગે છે, પરંતુ 1985માં બીજેપી કોંગ્રેસને ખતમ કરવા અનામત વિરોધી આંદોલનને સમર્થન આપી રહી હતી. ગુજરાતમાં ફેંકુ જે બાબતને જાતિવાદી ઝેર ગણાવે છે તે જ બાબતને બિહારમાં પાસવાનને એનડીએમાં સાથે લઇને જાતિવાદી ઝેરનો સ્વીકાર કરે છે. આનાથી મોટો તકવાદ કયો છે?